વિનાયક ચતુર્થી..!
🚩વિનાયક ચતુર્થી..!
ભગવાન શંકર તથા માતા પાર્વતીના પુત્રનું નામ છે ગણેશજી.ગણેશજીનું એક નામ છે વિઘ્નહર્તા. આ ગણપતિ મહારાજ તેમના ભક્તોનાં તમામ પ્રકારનાં દુઃખ દૂર કરે છે. તેમને ચોથ ખૂબ પ્રિય છે. તેમનો પ્રિય વાર છે મંગળવાર. તેમનો પ્રિય માસ છે ભાદરવો. તેમને જાસૂદનું લાલચટ્ટક પુષ્પ તથા સફેદ દૂર્વા ખૂબ પ્રિય છે. તેમનું વાહન મૂષક છે. તેમનો પ્રિય આહાર કે ભાવતું ભોજન મોદક છે. સુદ તથા વદ ચોથ મહિના દરમિયાન બે વખત આવે છે. સુદ ચોથને વિનાયક ચોથ તથા વદ ચોથને સંકષ્ટી ચોથ કહે છે. મંગળવારને સુદમાં આવતી વિનાયક ચોથને અંગારકી વિનાયક ચતુર્થી કહે છે. વદમાં મંગળવારે આવતી ચોથને અંગારકી સંકષ્ટી ચતુર્થી કહે છે.
ચોથનો ચંદ્ર ઊગે ત્યારે પ્રાતઃકાળે ઊઠી પ્રાતઃકર્મો પતાવી દેવસેવા, ગણેશસેવા કરી લેવી. ગણેશજીનાં ૨૧ નામનો જાપ ૨૧ વખત કરવો. ગણેશઅથર્વશીર્ષનો પાઠ કરવો. ૐ ગં ગણપતયૈ નમઃ મહામંત્રની ૩, ૫ કે સાત માળા કરવી. તેમને મોદકનો પ્રસાદ ધરાવવો, ગોળ ઘી પણ ધરાવી શકાય. આમ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.
દૂર્વાના ગણેશ બનાવો
ગણેશ ચોથના દૂર્વાના ગણેશ બનાવી ૧૦ દિવસ સુધી તેમની પૂજા કરો. તેનાથી તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે.
જો કોઈ ગણેશ ભક્ત સુદ તથા વદમાં આવતી બંને ચોથ કરે, નિયમિત જીવન જીવે, ભક્તિથી તેમના સ્તવન ગાય તો ગણેશજી જે તે ભક્ત ઉપર ખૂબ પ્રસન્ન રહે છે. તેનાં વિઘ્ન દૂર કરે છે. ગણેશ ભક્તો પર બહુધા સંકટ આવતાં નથી. જો આવે તો ગણેશજી કૃપાથી તે સંકટ ભાગી જાય છે. કારણ કે ગણેશજીનું નામ જ વિઘ્નહર્તા છે.
જો કોઈ ગણેશ ભક્ત દરરોજ અથવા પ્રત્યેક ચોથના દિવસે ગણેશજીને લાલ પાકું દાડમ ધરાવે તો ગણેશજી રાજીના રેડ થઈ જાય છે. તેઓ ખૂબ દયાળુ છે. તેમનામાં મા પાર્વતી તથા ભોળા મહાદેવ શિવજીના ગુણ ઠાંસી ઠાંસીને ભરેલા છે. તેથી તેઓ તેમના ભક્તો પર સંકટ આવવા દેતા નથી.
ગણેશજીના બે પુત્ર છે. એકનું નામ છે લાભ તથા બીજાનું નામ છે શુભ. લાભ અને શુભનો જ્યાં નિવાસ હોય ત્યાં દુઃખ આવતાં જ નથી. ગણેશજીનાં બે પત્ની છે. એક છે રિદ્ધિ તો બીજાં છે સિદ્ધિ. આ બે દેવીનો જ્યાં વાસ હોય ત્યાં આધિ, વ્યાધિ, ઉપાધિ આવતાં નથી. આમ ગણેશજી સહિત તેમનો પૂરો પરિવાર ખૂબ સિદ્ધિપ્રદ છે.
જો કોઈ ભક્ત ગણેશ ચોથને દિવસે સફેદ દૂર્વાની ૨૧ ૨૧ નંગની ૨૧ ઝૂડી કરી તેમના ઉપર ચડાવે તો તે ભક્ત ઉપર ગણેશજી ખૂબ પ્રસન્ન રહે છે.
તેનાં તમામ પ્રકારનાં દુઃખ દૂર કરે છે. જો તમારે અપાર રિદ્ધિ, સિદ્ધિ પ્રાપ્ત કરવાં હોય તો ગણેશજી ઉપાસના કરો. જુઓ તમને ફક્ત છ મહિનામાં અણધાર્યા લાભ દેખાશે.
ગણેશ પૂજા પ્રત્યેક કાર્યના આરંભે થાય છે. ગણપતિ વ્રત કરવા વાળા સુદ અને વદ ચોથના દિવસે ગણપતિનું પૂજન કરે છે જે ચોથ ત્રીજથી યુક્ત હોય તેને વ્રતના આરંભે પહેલી લેવી. આ દિવસે વિધિવત્ ગણપતિનું પૂજન કરવું. તેમના નામનું સ્મરણ અને મંત્રોનો જાપ કરવો અને પુષ્પો તેમ જ દુર્વાથી ગણપતિનું પૂજન કરવું.સિદ્ધિ વિનાયક ગણપતિ સર્વત્ર વિજય અપાવે છે અને સર્વ મનોરથો પૂર્ણકરે છે. ત્રિપુરાસુરના વધ પૂર્વે ભગવાન શંકરે, વૃત્રાસુરનો નાશ કરવા ઇન્દ્રે નળને શોધતાં, દમયંતીએ, સીતાની શોધ પૂર્વે રામચંદ્રજીએ, ગંગાવતરણ વખતે ભગીરથે, રુક્મિણી હરણ પૂર્વે ભગવાન કૃષ્ણને પોતાના કોઢ દૂર કરવા કૃષ્ણપુત્ર સામ્બે તેમ જ મહાભારત ગ્રંથ લેખન પૂર્વે ભગવાન વેદવ્યાસે ગણપતિનું પૂજન કર્યું હતું અને સૌએ પોતાની મનોકામના પરિપૂર્ણ કરી હતી.
ગણપતિની સુવર્ણની, ચાંદીની, તાંબાની, પંચધાતુ કે માટીની મૂર્તિ, આરસપહાણના પથ્થરની, સ્ફટિક, લાલ પથ્થર, વ્હાઈટ પથ્થરની મૂર્તિ વગેરે મૂર્તિની પૂજા થાય છે. ભાગ્યયોગે સફેદ આકડાના ગણપતિ મળી જાય તો તેનું પૂજન અતિ સિદ્ધપ્રદ મનાય છે.
ગણેશજીને નૈવેદ્યમાં ૮, ૧૮, ૨૮, ૧૦૦૮ કે ફક્ત ૫ (પાંચ) લાડુ તલમિશ્રિત, દક્ષિણા સહિત અર્પણ કરવા જોઈએ. સુખ-સમૃદ્ધિ માટે ગણપતિની પૂજા કરવી જોઈએ. ગણપતિ વિશે ઋષિમુનિઓએ અને ઉપાસકોએ અનેક સ્તોત્રની રચના કરી છે અને આરાધનાના વિવિધ વિધિઓ દર્શાવ્યા છે તેમાં મુખ્યત્વે શ્રી ગણેશ કવચ, ગણેશ મહિમા સ્તોત્ર, ગણેશાષ્ટોત્તરશત્ નામ, સંકટનાશનમ્ ગણેશ સ્તોત્ર, ગણેશ સહસ્ત્ર નામ વગેરે આદિ સ્તોત્ર છે.
ગણપતિ યંત્રનું વિધિ વિધાન:
કોઈ પણ માસની ચોથ અથવા ગણેશચોથના દિવસે યંત્ર સાધનાનો પ્રારંભ કરવો જોઈએ.
સર્વ પ્રથમ (એકાંત સ્થળ) પૂજા સ્થળને શુદ્ધ જળથી કે ગાયના છાણથી લીંપીને પવિત્ર કરવું. બાજઠ પર લાલ રેશમી કાપડ પાથરવું. તેના પર ગણપતિની મૂર્તિ અથવા ફોટો મૂકવો. પછી યંત્રની સ્થાપના કરવી. યંત્ર લાલ ચંદનથી અનારની કલમ બનાવીને ભોજપત્ર પર યંત્ર લેખન કરવું. યંત્ર સ્થાપન કર્યા પછી તેની સામે પૂર્વ તરફ મુખ રહે તે પ્રમાણે બેસવું. સાધકે લાલ વસ્ત્ર પહેરવું. આસન પણ લાલ રેશમી કાપડનું બનાવવું. પછી નીચે જણાવેલ શ્લોક બોલવો. બંને હાથ જોડીને પ્રણામની મુદ્રામાં રહીને ધ્યાન ધરવું.
મંત્ર :
ચતુર્ભુજં રક્તતનું ત્રિનેત્રં
પાશાંકુશૌ મોદકપાત્રદંતૌ
કરૈર્દધાનં સરસીરુ હસ્થં
ગણાધિનાથં શશિચૂંડમીડે ।
હવે યંત્રને પંચામૃત અથવા ગંગાજળથી શુદ્ધ કરવા (છાંટા નાખવા). પછી દુર્વા, લાલ ચંદન, લાલ પુષ્પ, લાલ ચોખા ચડાવવા. દરેક વસ્તુ ચડાવતાં 'શ્રી ગણેશાય નમ:' બોલવું. ધૂપ-દીપ કરવા. ત્યાર બાદ મોદકનું નૈવેદ્ય મૂકવું (મોદક (લાડુ) સિવાય લાલ અથવા પીળા રંગની મીઠાઈને મૂકી શકાય). નૈવેદ્ય અર્પણ કર્યા બાદ એક ઘીનો દીવો પ્રગટાવવો અને તે કળશ પર મૂકવો. પછી પ્રણામ કરીને નીચે આપેલ કોઈ પણ એક મંત્રનો જાપ કરવો. જપ માટે લાલ ચંદનની માળા લેવી. ચંદનની માળા ન હોય તો રુદ્રાક્ષની
માળાથી જાપ થઈ શકશે. કળશ પર રાખેલ ઘીનો દીવો મંત્રજાપ પૂરા થાય ત્યાં સુધી ચાલુ રહેવો જોઈએ. મંત્રજાપ વખતે સાધકે મનને શાંત રાખવું. આજુબાજુનું વાતાવરણ શાંતિમય હોવું જોઈએ. જપકાર્ય વખતે કોઈની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નહીં (મંત્રજાપ માટે પાંચ માળા કરવી)
#ૐ_શિવોહમ્
#વિનાયક_ચતુર્થી
#જય_ગણેશ
#જ્યોતિષ
#જ્યોતિષાચાર્ય_લલિતદાદા