the kerala story ..
. આજકાલ 'ધ કેરાલા સ્ટોરી' ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મમાં બતાવવામાં આવેલ 'લવ જેહાદ', ISIS ની ગતિવિધિઓ વગેરે વિશે ઘણું લખાઈ રહ્યું છે અને ઘણી ચર્ચાઓ થઈ રહી છે.પણ મારે કંઈક અલગ વાત કરવી છે.
ફિલ્મમાં એક સીન આવે છે જેમાં 'લવજેહાદ'માં ફસાયેલી 3 યુવતીઓમાંની એક પોતાના પિતાને કહે છે કે, અમને ફસાવનારાઓ તો ગુનેગાર છે જ પરંતુ વાંક તમારો પણ છે. તમે અમને આપણાં સનાતન હિન્દૂ ધર્મ અને સંસ્કૃતિ વિશે ક્યારેય કેમ ન જણાવ્યું?
આ ડાયલોગ ફિલ્મનો શ્રેષ્ઠ ડાયલોગ છે.
આપણે ત્યાં માબાપ પોતાના બાળકોને મોંઘીદાટ સ્કૂલમાં ભણાવવા, ફાંકડું અંગ્રેજી બોલવાનું શીખડાવવા કે ડોકટર-એન્જિનિયર બનાવવા પાછળ જેટલા સમય અને શક્તિ ખર્ચે છે તેટલા સમય કે શક્તિ એ જ બાળકને આપણી સંસ્કૃતિની મહાનતાથી અવગત કરાવવામાં નથી ખર્ચતા. પરિણામે બાળકોને કહેવાતું ઉચ્ચ શિક્ષણ તો મળી જાય છે પણ એ શિક્ષણ બાળકને એ નથી શીખવી શકતું કે ભારતીય સંસ્કૃતિ શા માટે વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ કે દુનિયાની તમામ સંસ્કૃતિઓની જનેતા કહેવાય છે.
ફિલ્મમાં અમુક સીન દ્વારા આપણને આ વાત સમજાવવામાં આવી છે. જેમકે, એક સીનમાં મુસ્લિમ છોકરી જમ્યા પહેલાં અલ્લાહને કંઈક પ્રાર્થના કરે છે. ક્રિશ્ચિયન છોકરીને પણ જમ્યા પહેલાની પ્રેયર આવડે છે. પણ હિન્દૂ છોકરીઓને? જમ્યા પહેલાં કોઈ શ્લોક હોય કે નહીં તે પણ ખબર હોતી નથી, આવડવો તો બહુ દૂરની વાત છે. અને તેઓને આ વાતનો કોઈ અફસોસ પણ હોતો નથી. આવી વાતને તેઓ ગંભીરતાથી લેતી પણ નથી!
જ્યારે તેઓની સામે એવી દલીલ કરવામાં આવે છે કે તમારા શંકર ભગવાન પોતાની મરેલી પત્નીને ઊંચકીને રડતાં રડતાં આખા ભારતમાં રખડે છે. તમારા ભગવાન તો રડે છે. ત્યારે હિન્દૂ યુવતીઓ એવો સણસણતો જવાબ નથી આપી શકતી કે હા, અમારા ભગવાન રડે છે પણ રડયા પછી તાંડવ પણ મચાવે છે અને એવું તાંડવ મચાવે છે જેને રોકવા માટે તારા ભગવાન તો શું બ્રહ્માંડની એકેય તાકાત સમર્થ નથી.
જ્યારે શ્રીરામ વિશે વિધર્મી છોકરી દ્વારા પૂછવામાં આવે છે કે એ જો ભગવાન જ છે તો કેમ રાવણને મારવા આખી સેના ઉભી કરવી પડી,એકલા ન મારી શકે? ત્યારે એને સામે એવો જવાબ નથી મળતો કે રામ એ છે કે જે આખા દરિયાને પણ સુકવી શકે અને એના ભક્ત હનુમાન પણ એકલે હાથે રાવણની આખી સેનાને પરાસ્ત કરી શકે તેમ હતાં. ખર અને દુષણ જેવા રાક્ષસો અને તેઓની આખે આખી સેનાને શ્રીરામે એકલે હાથે જ ખતમ કરી હતી.
શ્રીકૃષ્ણે રણભૂમિ છોડી એવી દલીલની સામે એવો જવાબ 'ભણેલીગણેલી' હિંદુ યુવતીઓ નથી આપી શકતી કે યુદ્ધમાં એક પણ હથિયાર ઉપાડ્યા વિના સાત અક્ષૌહીણી સેનાને શ્રીકૃષ્ણે જ હણી હતી. દરેક સ્ત્રી સાથે રાસલીલા રચાવતા અમારા ભગવાને કંસ નામના ખૂંખાર રાક્ષસને પણ હણ્યો હતો.
આ ફિલ્મ આપણને એ બોધપાઠ આપે છે કે તમે બાળકોને ગમે તેટલું ઊંચું શિક્ષણ આપો પણ સાથોસાથ ધાર્મિક અને આધ્યાત્મિક શિક્ષણ પણ આપવું જ પડશે. નહીંતર તમારું બાળક ગમે તેટલું 'હોશિયાર' કે 'સ્માર્ટ' થઈને પણ હિન્દૂઓને નીચા દેખાડવા થતી દલીલોને counter નહિ કરી શકે. અહીંયા જરૂર બીજાના ધર્મને નીચો દેખાડવાની નહિ પણ પોતાના ધર્મની મહાનતાને સમજવાની છે. જો કોઈ આપણા ભગવાન વિશે એલફેલ બોલી જાય, આપણાં કલ્ચર વિશે બકવાસ કરી જાય, અને તમે ગમે તેટલું ભણ્યા હોવા છતાંય એને યથોચિત જવાબ ન આપી શકો તો તમારા એ ભણતરનો મતલબ શું?