નિ:સ્વાર્થ_સ્નેહ------ ડૉ. આઇ.કે. વિજળીવાળા.....
--------નિ:સ્વાર્થ_સ્નેહ------
ડૉ. આઇ.કે. વિજળીવાળા......
એક મોટા શહેરના ફૂટપાથ પર એક વૃદ્ધ ફળોની લારી લઈને ઊભી રહેતી . આખા દિવસમાં જે કાંઈ ફળો વેચાય એમાંથી એનું ગુજરાન ચાલતું . સાવ એકલે પંડે રહેતાં માડીની જરૂરિયાતો સાવ ઓછી હતી એટલે જે કાંઈ મળે એમાંથી એમનું પૂરું થઈ જતું .
એ જ શહેરમાં રહેતો એક યુવાન ઓફિસર અને એની પત્ની માડીનાં કાયમી ગ્રાહક હતા . રોજ સવારે એ લોકો માડી પાસેથી સંતરાં ખરીદતાં . સંતરાં જોખાવી લીધાં પછી એ યુવાન પોતે ખરીદેલ સંતરામાંથી એક સંતરું કાઢતો. એને છોલીને એક ચીર ચાખ્યાં પછી એ બોલતો , "માડી ! આ ચાખો તો ! મને આ સંતરું બરાબર મીઠું હોય એવું નથી લાગતું. ”
માડી સંતરું ચાખતાં અને કહેતાં , "ના બાબુ ! આ તો એકદમ મીઠું છે . તમને કેમ એ ખાટું લાગ્યું ? ”
"એમ ? તો તો બાકીનાં બધાં સંતરા મીઠાં જ હશે ! ” એટલું કહી , પેલો ઓફિસર છોલેલું સંતરું ત્યાં જ છોડીને આગળ વધી જતો.
માડીની બાજુમાં ઊભી રહેતી એક શાકવાળી બાઈ અને પેલા ઓફિસરની પત્ની આ ખેલ રોજ જોતાં.
એક દિવસ એ ઓફિસરની પત્નીએ પૂછ્યું , "આપણે જાણીએ જ છીએ કે એ માડી હંમેશાં મીઠાં સંતરાં જ રાખે છે અને આપે છે , તો પણ તમે આ રોજરોજ ચાખવાનું અને મોઢું બગાડવાનું નાટક શું કામ કરો છો ? ”
પેલા યુવાને જરાક હસીને જવાબ આપ્યો , "અરે પાગલ ! માડી તો આપણને ખૂબ મીઠાં સંતરાં જ ખવડાવે છે . પણ , તેં જોયું ? એ પોતે ક્યારેય સંતરાં ખાતાં નથી .
આ ચાખવાના બહાને હું આપણા સંતરામાંથી રોજ એક સંતરું એને ખવડાવી દઉં છું . આમ પણ એ મારી બાની ઉંમરનાં છે . એમને ખવડાવીને મને ગામડે બેઠેલી મારી બાને ખવડાવ્યું હોય એટલો આનંદ થાય છે ! ”
એની પત્નીને પ્રથમ વખત આ નાટકનો અર્થ સમજાયો હતો.
આ તરફ માડીની બાજુમાં ઊભી રહેતી પેલી શાકવાળી બાઈએ પણ એક દિવસ માડીને પૂછી જ લીધું , " માડી ! પેલો માણસ રોજ સંતરાં ખરીદતી વખતે સંતરાં ચાખવાની કચકચ કરે છે. રોજ એકાદ સંતરું છોલાવે પણ છે. બધાને ખબર છે કે તમારાં સંતરાં મીઠાં જ હોય છે . તોપણ એ આ મીઠું નથી અને આ સંતરું બરાબર નથી એવું નાટક કરતો હોય છે. તોપણ એને સંભળાવી દેવાને બદલે હું કાયમ જોઉં છું કે તમે એને જોખતી વખતે વધારે સંતરાં જ આપી દો છો . એની વાતોમાં તમને ખ્યાલ પણ નથી રહેતો કે સંતરાં વધારે જોખાઈ જાય છે . એવું શું કામ કરો છો ? ’
માડી હસ્યાં. પછી બોલ્યા , "બહેન ! તેં જોયું છે કે એ માણસ હંમેશા પોતાના ખરીદેલા સંતરાંમાંથી જ એક કાઢીને છોલાવે છે ? એનું આ આખું સંતરાં ચાખવા માટેનું નહીં પણ , મને એ ખવડાવવા માટેનું હોય છે.
એને એવું છે કે મને આ વાતની ખબર નથી પડતી. મને પણ એ આવું કરે ત્યારે મારો સગો દીકરો મને ખવડાવતો હોય એવું લાગે છે. અને એ પછી મારાથી થોડાંક સંતરાં વધારે જ અપાઈ જાય છે. મારા જેવી ગરીબ ડોશી માટે એનો ભાવ જોઈને ત્રાજવાનું પલડું વધારે નમી જ જાય છે ! ” એટલું બોલીને માજીએ સાડલાના છેડાથી પોતાની આંખો લૂછી.
#શાકવાળી_બાઈની_આંખો_પણ_ક્યાં_કોરી_હતી ?
જીવનની આવી નાની નાની હૂંફાળી ઘટનાઓમાં જ પ્રેમ એના નિર્મળ સ્વરૂપે વહેતો હશે એવું નથી લાગતું ?
*** #અમર_કથાઓ ***
✍ ડૉ. આઇ. કે. વિજળીવાળા.